આઠસો રંગનો ગોબર પેઇન્ટ! – ગૌમય પેઇન્ટ

– આજકાલ-પ્રીતિ શાહ

– ગાયના ગોબરમાંથી પેઇન્ટ બનાવવાનો વિચાર દુર્ગાને ખૂબ ગમી ગયો. બરગઢમાં રહેતી દુર્ગા આમ તો સામાન્ય ગૃહિણી જ હતી, પરંતુ ઘણા સમયથી તે પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા માગતી હતી

ભા રતીય સંસ્કૃતિ ગાયને માતા સમાન માનીને પૂજે છે, પરંતુ એ ગાય જ્યારે દૂધ આપવાનું બંધ કરે, તે પછી બહુ જૂજ વ્યક્તિઓ તેની યોગ્ય સારસંભાળ લેતા હોય છે. કેટલાક પશુપાલકો તેને રસ્તા પર છોડી દે છે. પરંતુ હવે ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ એટલો વધી ગયો છે કે લોકો ગાયનું છેક સુધી પાલનપોષણ કરવા લાગ્યા છે. વર્ષોથી આપણે ત્યાં ગૌમૂત્રનો ઉપયોગ દવા તરીકે થાય છે. પહેલાના જમાનામાં બળતણ તરીકે ગોબરમાંથી બનાવેલા છાણાંનો ઉપયોગ થતો હતો. આજે ફરી લોકો એ તરફ વળ્યા છે. આધુનિક ચુલામાં ગોબરમાંથી નાની સ્ટીક બનાવીને તેને બળતણ તરીકે વાપરવામાં આવે છે. આ ઉપરાંત એમાંથી કાગળ બનાવવામાં આવે છે, પરંતુ આ બધાથી ય વિશેષ તો ગાયના ગોબરમાંથી ઈકો-ફ્રેન્ડલી પેઇન્ટ બનાવવામાં આવે છે. આની શરૂઆત ભારત સરકારના એમ.એસ.એમ.ઈ. મંત્રાલય દ્વારા કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગામડાઓમાં ઉપલબ્ધ સંસાધનોમાંથી કોઈ ઉદ્યોગ શરૂ કરીને ગામડાંનાં  લોકોને રોજગારી આપવાનો છે. ખાદી ઇન્ડિયા દ્વારા ગોબરમાંથી બનાવેલા પ્રાકૃતિક રંગો વેચવામાં આવી રહ્યા છે.

ગાયના ગોબરમાંથી પેઇન્ટ બનાવવાનો વિચાર દુર્ગા પ્રિયદર્શિનીને ખૂબ ગમી ગયો. ઓડિશાના બરગઢમાં રહેતી દુર્ગા આમ તો સામાન્ય ગૃહિણી જ હતી, પરંતુ ઘણા સમયથી તે પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા માગતી હતી. આથી એ સતત વિચારતી રહેતી કે તે શું કરી શકે ? દુર્ગા જણાવે છે કે તે નાની હતી, ત્યારથી ડેરીના વ્યવસાયમાં એને ખૂબ રસ હતો. તેને હંમેશા એમ થતું કે હરિયાણા અને પંજાબમાં ગાયના દૂધની જે ગુણવત્તા જોવા મળે છે, તે ઓડિશામાં જોવા મળતી નથી. તેથી તે હરિયાણાના ઝજ્જર ગામમાં પશુપાલન શીખવા ગઈ. એ સમય દરમિયાન દુર્ગાએ ઈન્ટરનેટ પર એક વીડિયો જોયો કે જેમાં ગાયના ગોબરમાંથી પેઇન્ટ બનાવવાનું દર્શાવવામાં આવ્યું હતું. તેને પશુપાલનને બદલે પેઇન્ટ બનાવવાનું કામ વધુ સારું લાગ્યું.

દુર્ગા પ્રિયદર્શિનીએ ૨૦૨૧માં જયપુરમાં રહીને પાંચ દિવસની તાલીમ શિબિરમાં ભાગ લીધો. બિહાર સહિત ઘણાં રાજ્યોમાં ગોબર પેઇન્ટના પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેવી માહિતી મળતા દુર્ગાને પણ ઓડિશામાં પ્લાન્ટ લગાવવાની પ્રેરણા મળી. એણે ખાદી ઇન્ડિયા અંતર્ગત ગ્રીન ફીલ પેઇન્ટ્સ નામે પોતાના પ્લાન્ટની શરૂઆત કરી. આ રીતે ઓડિશાના બરગઢમાં રહેતી ૩૩ વર્ષની દુર્ગા પ્રિયદર્શિનીએ ઓડિશામાં ગોબર પેઇન્ટનું સૌપ્રથમ યુનિટ શરૂ કર્યું. તેને માટે સૌપ્રથમ તો ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં બરગઢ પાસે એક ગામમાં અઢી હજાર સ્કવૅર ફૂટ જમીન ખરીદી, જેથી તે ગામલોકો પાસેથી ગોબર ખરીદી શકે. દુર્ગાને આમાં એટલો ઊંડો રસ પડયો કે અત્યાર સુધીમાં મશીન, જમીન અને માર્કેટિંગ પાછળ એક કરોડનું મૂડીરોકાણ કરી ચૂકી છે. ગોબરમાંથી પેઇન્ટ બનાવવા માટે તે આસપાસના ખેડૂતો અને પશુપાલકો પાસેથી પાંચ રૂપિયે કિલો ગોબર ખરીદે છે. ગોબર ખરીદ્યા પછી સૌપ્રથમ તો તેના માપ પ્રમાણે ગોબરમાં પાણી ભેળવવામાં આવે છે. ત્યારબાદ એને ટ્રિપલ ડિસ્ક રીફાઈનરીમાં નાખીને ઘટ્ટ કરવામાં આવે છે. તે પછી તેમાં કેલ્શિયમ કમ્પોનન્ટ ઉમેરીને પેઇન્ટ માટેનો ‘બેઝ’ તૈયાર કરવામાં આવે છે, જેમાંથી ડિસ્ટેમ્પર બનાવવામાં આવે છે.

જે પેઇન્ટ તૈયાર થાય છે તેમાં ત્રીસ ટકા ગોબર હોય છે. તેના બેઝ કલર સાથે પ્રાકૃતિક રંગો ઉમેરવામાં આવે છે. આ રીતે આ પેઇન્ટ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક છે. આવા ઓર્ગેનિક પેઇન્ટ માટે લોકોમાં હજી સુધી જાગરૂકતા આવી નથી, તેથી તેની માગ અમુક લોકો સુધી સીમિત છે. દુર્ગા આ પ્રાકૃતિક પેઇન્ટ માટે પોતાની રીતે માર્કેટિંગ કરી રહી છે. ઓડિશામાં આ એક માત્ર પ્લાન્ટ છે જે ગોબરમાંથી પેઇન્ટ બનાવી રહ્યો છે. તે ઓડિશા અને છત્તીસગઢનાં કેટલાક શહેરોમાં પણ આનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે અને એને માટે ડીલરની પસંદગી પણ કરી છે. કૉલેજોમાં અને અન્ય સેમિનારમાં તે આ પેઇન્ટના ફાયદા વિશે લોકોને વાત કરે છે. દુર્ગા પ્રિયદર્શિની કહે છે કે પહેલાં તો આપણી પાસે કેમિકલ પેઇન્ટ સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. આજે હવે આપણી પાસે આવો સરસ વિકલ્પ છે, તો તેનો ઉપયોગ કરવો જોઈએ.

દુર્ગા પ્રિયદર્શિની ગાયના ગોબરમાંથી બનેલા ઈકો-ફ્રેન્ડલી પેઇન્ટના અનેક ફાયદા દર્શાવે છે. આ પેઇન્ટ અન્ટી-બેક્ટેરિયલ અને અન્ટી ફંગલ છે. ગોબરમાંથી બને છે, પરંતુ એમાંથી કોઈ દુર્ગંધ આવતી નથી. એમાં કોઈ ધાતુનો ઉપયોગ થતો નથી. તે નોન-ટોક્સિક છે.

આઠસો રંગનો ગોબર પેઇન્ટ!

તે ઘરની અંદર અને બહાર લગાડી શકાય છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ પ્રાકૃતિક પેઇન્ટ સામાન્ય કેમિકલ પેઇન્ટ લગાવ્યો હોય તેવો જ દેખાય છે. ઘરના ટેમ્પરેચરને પણ સંતુલિત કરે છે. આવા અનેક ફાયદા ધરાવનાર આ પેઇન્ટના દુર્ગા પ્રિયદર્શિની અત્યારે આઠસો જેટલા રંગો બનાવી રહી છે. અત્યાર સુધીમાં ચાર હજાર લીટર પેઇન્ટ વેચી ચૂકી છે. અત્યારે તે ઑર્ડર પ્રમાણે પેઇન્ટ બનાવે છે. ભવિષ્યમાં તે પ્રાકૃતિક વૉલ પુટ્ટી બનાવવા માગે છે. તેને આનંદ એ વાતનો છે કે તે પોતાના કામ દ્વારા સમાજ સેવા કરવા માગતી હતી તે તક તેને અહીં મળી. તેનું માનવું છે કે જો તે દૂધનો વ્યવસાય કરતી હોત, તો ગાયોની સેવા થાત, પરંતુ આ ગોબર પેઇન્ટ દ્વારા તે ખેડૂતો અને ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી રહી છે, તેનો તેને સંતોષ છે.

About Author

Call Now